મોરબીમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડતાં 35થી વધુ લોકોનાં મોત

70 જેટલા લોકો ઘાયલઃ 140 વર્ષ કરતાં વધુ જુનો પુલ મરામત બાદ નવા વર્ષના દિવસે જ શરૂ કરાયો હતો, સ્ટેબિલિટી સર્ટી. વિના જ ફરી ઉપયોગમાં લેવા મંજૂરી આપતાં પાલિકાની કામગીરી શંકાના દાયરામાંઃ મૃતકોના પરિજનોને રૂ. 4 લાખ તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયઃ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ મુર્મૂ, ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કરી બચાવ કામગીરી તેજ બનાવવા આદેશ કર્યાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના કાર્યક્રમો પડતાં મૂકી મોરબી પહોંચ્યા
વધુ એક દુર્ઘટનાએ મોરબી શહેરને ફરીથી હચમચાવી મુક્યું છે. મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝુલતો પુલ આજે સાંજે પોણા સાતેક વાગ્યાના સુમારે તૂટી પડતાં અંદાજે 150 જેટલા લોકો નદીમાં તેમજ નદીના પટમાં ખાબક્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જે પૈકી 35થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયાની વિગતો સાંપડી રહી છે. અલબત્ત હજુ સુધી આ અંગે સત્તાવાર કોઈ ચોક્કસ આંકડા બતાવાયા નથી.
પ્રાથમિક વિગતો મુજબ સાંજે ઐતિહાસિક ઝુલતા પુલ ઉપર સહેલાણીઓનો ભારે ધસારો હતો અને પોણા સાતેક વાગ્યાના અરસામાં પુલના અચાનક જ વચ્ચેથી ટુકડા થઈ જતાં સહેલાણીઓ નીચે પટકાયા હતાં. જે પૈકી અનેક લોકો નદીના પાણીમાં ડુબ્યા હતાં જ્યારે ઘણાં લોકો નદીના પટના ભાગે પટકાયા હતાં. ઘટનાની જાણ થતાં મોરબી શહેરનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયું હતું. સાથે જ સામાજિક સંસ્થાઓ અને લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતાં. NDRFની ટીમો સાથે જ આસપાસના વિસ્તારોના ફાયર બ્રિગેડના સ્ટાફને પણ તુરંત કામગીરીમાં લગાડાયો હતો.
આ લખાય છે ત્યારે આ દુર્ઘટનામાં 35 લોકોનાં મૃત્યુ થયાનું તેમજ 70 જેટલા લોકો ઘાયલ થયાનું જણાવાઈ રહ્યું છે. અલબત્ત હજુ પણ સત્તાવાર આંકડા જાહેર કરાયા નથી જેથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા નકારી શકાતી નથી. ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ મુર્મૂ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને બચાવ કામગીરી અંગે પૃચ્છા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે રાહત અભિયાન અંગેનું મોનિટરીંગ પણ કર્યું હતું અને ઘટતાં આદેશ આપ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તુરંત જ બચાવકાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવા હુકમો જારી કર્યાં હતાં. મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રો તરફથી જણાવાયું હતું કે આ દુર્ઘટનામાં મૃતકના પરિજનોને રૂ. 4 લાખ જ્યારે ઘાયલોને રૂ. 50 હજારની સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. મુખ્યમંત્રી પટેલે પોતાના તમામ કાર્યક્રમો પડતાં મુક્યા હતાં અને ઘટનાની જાણ થતાં જ મોરબી રવાના થઈ ગયા હતાં. તેમણે અંગત દેખરેખ સાથે રાહત અભિયાનનું મોનિટરીંગ શરૂ કર્યું છે.
રાત્રે પણ મચ્છુ નદીમાં લોકોને શોધવાની કામગીરી ચાલુ રહી છે અને મરજીવાઓ નદીમાં ડુબકી લગાવી રહ્યાં છે. દુર્ઘટનાની ખાસ વાત એ રહી કે 140 કરતાં પણ વધુ જુનો આ ઐતિહાસિક ઝુલતો પુલ બિસ્માર થઈ ગયો હતો. જેથી સાતેક મહિના પૂર્વેથી તેની રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગત ચાલુ સપ્તાહે જ હિન્દુઓના નવા વર્ષના દિવસે તેને સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ પાંચેક દિવસના ગાળામાં જ આ દુર્ઘટના સર્જાતાં વહીવટી તંત્ર સામે અનેક શંકા-કુશંકા વહેતી થઈ છે. એવી વિગતો પણ સાંપડી રહી છે કે હેંગિંગ બ્રિજની મરામત કર્યા બાદ તેને ખુલ્લો તો મુકાયો પરંતુ તેની સ્ટેબિલિટી યોગ્ય રીતે ચેક કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, પાલિકા દ્વારા કોઈપણ જાતના સ્ટેબિલિટી સર્ટીં. વિના જ બ્રિજને ફરીથી વપરાશમાં લેવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.