શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ,સુરત દ્વારા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું આયોજન:111 બ્રાહ્મણોએ લીધો લાભ

ચૈત્ર માસમાં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાનું ખૂબ જ ધાર્મિક મહત્વ જોડાયેલું છે. ત્યારે માં નર્મદાની પંચકોષીય ઉત્તર વાહીની પરિક્રમા કરવા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-સુરત દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા સુરતથી 111 જેટલા બ્રાહ્મણોને આ પરિક્રમા કરાવડાવી હતી.સુરત થી બે બસ કરી નર્મદા પરિક્રમા ના સ્થળ સુધી લઈ જવામાં આવ્યા હતા. જેમાં 21 કિલોમીટરની આ પરિક્રમાનો 5 વર્ષના નાના બાળકથી લઇ 80 વર્ષના વૃદ્ધો સહિત મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ચૈત્ર માસ નિમિત્તે શરૂ થયેલી માં નર્મદાની પંચકોષિય ઉત્તર વાહીની પરિક્રમા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત થી બ્રાહ્મણોને લઈ નર્મદા પરિક્રમાનો આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશેષ આયોજન કરાયું હતું. જેમાં આ વર્ષે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત સાથે મા નર્મદાની પરિક્રમા કરવા 111 જેટલા બ્રાહ્મણો જોડાયા હતા. સુરતથી પંચકોષિય નર્મદા પરિક્રમાની આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે સુરતના બ્રહ્મ સમાજના આગેવાનોને ખાસ બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર નર્મદા નદીની પરિક્રમા કરી ચૂક્યા એવા સમાજના આગેવાન શ્રી નીતિનભાઈ મહેતા, શ્રી વિપુલભાઈ વ્યાસ , શ્રી અશોકભાઇ જોષી શાંડિલ્ય ઋષિ સંસ્કૃત પાઠશાળાના આચાર્ય શ્રી અશોકભાઈ જોષી , ડીવાયએસપી રેલ્વે શ્રી ડી એચ ગોર અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ શ્રી નીતિનભાઈ ઠાકર ( ભાજીયાવાલા) દ્વારા શ્રીફળ વધેરી તમામ યાત્રાળુઓનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તમામ આગેવાનોએ યાત્રાળુઓને શુભ સંદેશો પાઠવી યાત્રાની શુભકામના પાઠવી હતી.

આ વર્ષે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત સાથે 5 વર્ષના નાના બાળકથી લઈ 80 વર્ષના વૃદ્ધો અને મોટી સંખ્યામાં મહિલાઓ માં નર્મદાની પરિક્રમા કરવા ઉત્સાહ દાખવ્યો હતો. 111 બ્રહ્મ પરિક્રમા વાસીમાંથી 50થી વધુ માત્ર મહિલા પરિક્રમાર્થી હતા. આ તમામ પરિક્રમાવાસીઓ માટેનું સંપૂર્ણ જવાબદારી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ઉઠાવવામાં આવી હતી. ખૂબ જ સુંદર અને નિયમોબદ્ધ આયોજન કરી તમામ બ્રાહ્મણોને મા નર્મદાની પંચકોષીય ઉતરવાહીની પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરાવી હતી.

માં નર્મદાની પંચકોષીય ઉતરવાહિની પરિક્રમાના આયોજનની વાત કરવામાં આવે તો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ શ્રી જયદીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલ ચૈત્ર માસ અને ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. આ એક મહિના પૂરતી જ માં નર્મદાની 21 કિલોમીટર લાંબી ઉત્તર વાહિની પરિક્રમા દર વર્ષે શરૂ થાય છે. અને માં નર્મદાની આ પરિક્રમા કરવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે સુરતથી પણ બ્રાહ્મણો આ પરિક્રમાનો લાભ લઈ શકે તે માટે ત્રીજી વખતનું આ અમારું આયોજન છે. આ વર્ષે નવરાત્રીની સાથે બીજો શનિવાર અને રવિવારની રજાઓને ધ્યાને રાખી નર્મદા પરિક્રમાનું આયોજન નક્કી કર્યું હતું.જે મુજબ 12 એપ્રિલ શુક્રવારે રાત્રે 11 કલાકે સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલથી બે બસો મારફતે 111 જેટલા પરિક્રમાવાસીઓને લઈ જવામાં આવ્યા હતા.
જયદીપભાઇ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે સુરત થી તમામ પરિક્રમા વાસીઓને સૌપ્રથમ અંકલેશ્વર ખાતે ગયા હતા જ્યાં સિદ્ધરૂઢ બ્રાહ્મણ સમાજની વાડીમાં તમામ પરિક્રમા વાસીઓને રાત્રે 1 વાગ્યે તેમની વાડીમાં ઉતારો આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને પરિક્રમાવાસીઓની ચા, નાસ્તો પાણી ની સેવા કરી જાત્રાને 1:30 વાગ્યે આગળ વધારવામાં આવી હતી. અમે રાત્રે 3:30 વાગ્યે પરિક્રમાની જાત્રા જ્યાંથી શરૂ થાય છે તે રામપુરાના કીડી મકોડી ઘાટ ખાતે પહોંચ્યા હતા. અહીં ભગવાન રણછોડરાયનું મંદિર આવ્યું છે અને આ મંદિરે સંકલ્પ લઈ તમામ પરિક્રમાવાસીઓએ પોતાની જાત્રા શરૂ કરી હતી.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની સાથે તમામ 111 જેટલા પરિક્રમા વાસીઓએ સવારે બ્રહ્મ મુહર્ત માં ચાર વાગ્યે અંધારામાં પરિક્રમા કરવાની શરૂઆત કરી દીધી હતી. રામપુરાથી શરૂ કરી રસ્તામાં ધનેશ્વર મહાદેવ, મંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી જાત્રા ગુવાર ગામ ખાતે આવેલ નદી કિનારે પહોંચી હતી. અહીંથી હોડીમાં બેસી તમામ જાત્રાળુઓ નર્મદા નદી પાર કરી સામે તિલકવાડા ખાતે પહોંચ્યા હતા.તિલકવાડાથી ફરી નર્મદાના બીજા કાંઠાની પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. જ્યાંથી મણી નાગેશ્વર, કપિલેશ્વર, વાસન થઈ રેંગણ ગામની નદી કિનારે પહોંચ્યા હતા. અહીં ફરી તમામ જાત્રાળુ હોડી માં બેસી નર્મદા નદી પાર કરી જ્યાંથી જાત્રા શરૂ કરી હતી તે રામપુરાના કીડી મકોડી ઘાટ ખાતે પહોંચ્યા હતા. અને અહીં ફરી રણછોડરાય મંદિર ખાતે દર્શન કરી તમામ જાત્રાળુઓએ ઉત્તર વાહિનીની માં નર્મદાની પરિક્રમાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તમામ પરિક્રમા વાસીઓને આયોજન બદ્ધ રીતે ફરી સુરત પહોંચાડવામાં આવ્યા હતા.

પરિક્રમા કરવા આવનાર જાત્રાળુઓએ જણાવ્યું હતું કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ સુંદર અને આયોજન બદ્ધ આ યાત્રાનું આયોજન કર્યું હતું. એક પણ યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડ કે તકલીફ પડવા દીધી નથી. તમામ યાત્રાળુઓએ માં નર્મદાની પરિક્રમા કરીને પોતાને ધન્યતા અનુભવી છે. અને સાથે તમામ જાત્રાળુઓએ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.