July 20, 2025

ખેલૈયાઓ આનંદો, નવરાત્રીમાં 12 વાગ્યા સુધી સ્પીકરો વગાડવાની છૂટ

ગુજરાતમાં ગરબાપ્રેમી ખેલૈયાઓ માટે એક મોટા સમાચાર મળ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે આજે મોડી સાંજે એવો પરિપત્ર બહાર પાડ્યો છે કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી સ્પીકરો વગાડી શકાશે. અગાઉ રાજકોટ જેવા શહેરોમાં પો.કમિ. દ્વારા જાહેરનામુ બહાર પાડી રાત્રે 10 વાગ્યા બાદ સ્પીકરો વગાડવા ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. જેને પગલે ગરબાપ્રેમીઓમાં હતાશા હતી, જો કે હવે ગૃહ વિભાગની જાહેરાતથી ખેલૈયાઓને હાશકારો થયો છે.

આદ્યશક્તિની આરાધનાના પર્વ આસો નવરાત્રીના આડે હવે માંડ ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. ત્યારે માઈભક્તો માતાજીની આરાધના, ઉપાસના, પૂજા-પાઠ જેવી તૈયારીઓ કરી રહ્યાં છે. તો બીજી તરફ ગરબાપ્રેમી યુવાધન દોઢિયા અને ઠુમકાની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. જો કે બે દિવસ પૂર્વે રાજકોટ પોલીસ કમિશનરે જાહેર કરેલા પરિપત્રથી ખેલૈયાઓમાં હતાશા આવી ગઈ હતી. પો.કમિ.એ ગરબા આયોજકો સાથે મિટીંગ કરી હતી અને ફરમાન કર્યું હતું કે રાત્રે 10 વાગ્યા સુધી જ સ્પીકરો વગાડી શકાશે. ત્યારબાદ જો કોઈ ગરબામાં સ્પીકરો ચાલુ રહેશે તો સામાન જપ્ત કરી આયોજકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

રાજકોટ પો.કમિ.ના આ જાહેરનામાના રાજ્યના ગરબાપ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં અને સરકાર સુધી રજુઆતોનો દૌર પણ ચાલ્યો હતો. દરમિયાન આજે સાંજના સુમારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી રાજ્યમાં નવરાત્રીના 9 દિવસો ઉપરાંત જન્માષ્ટમી તેમજ દશેરાના દિવસે પણ રાત્રે 10થી 12 વાગ્યા સુધી સ્પીકરો વગાડવાની છૂટ આપવાનો ઉલ્લેખ કર્યો હતો. મોડી સાંજે ગૃહ વિભાગ દ્વારા પણ નવરાત્રીના 9 દિવસ દરમિયાન તેમજ જન્માષ્ટમી અને દશેરાના દિવસે રાત્રે 10થી 12 વાગ્યા સુધી સ્પીકરો વગાડવાની મંજૂરી આપી છે અને રાજ્યભરના તમામ પોલીસવડાઓને તેનો અમલ કરવાની સૂચના આપી છે.

ખાસ કરીને કોરોના કાળના બે વર્ષ સતત પ્રતિબંધ રહ્યાં બાદ ચાલુ વર્ષે નવરાત્રીની છૂટછાટ મળી છે અને તેને મન ભરીને માણી લેવા માટે ખેલૈયાઓમાં થનગનાટ છે. ત્યારે શરૂઆતના તબક્કે હતાશા બાદ ગૃહ વિભાગના નવા પરિપત્રથી ખેલૈયાઓમાં હવે ઉત્સાહ બેવડાયો છે.