સમગ્ર ગુજરાતમાં 5G સેવા શરૂ, 10 જીબી સુધીની જબરદસ્ત સ્પીડ મળશે

રિલાયન્સ જિયોની ગુજરાતને વિશેષ ભેટ, ગુજરાત JIO TRUE-5G મેળવનાર પ્રથમ રાજ્ય બન્યુંઃ તમામ 33 જિલ્લાઓમાં સેવા શરૂ, પરંતુ સંભવતઃ તમામ મોબાઈલમાં સર્વિસ તુરંત નહીં મળે
વિધાનસભા ચૂંટણી સમયે જ રિલાયન્સે પોતાની મૂળ કર્મભૂમિ ગુજરાતને એક મોટી ભેટ અર્પણ કરી છે અને આજથી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં JIO TRUE-5G સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. જેથી હવે મોબાઈલમાં 10 જીબીપીએસ સુધીની જબરદસ્ત સ્પીડ ગ્રાહકોને મળશે. જો કે એવી જાણકારી મળી રહી છે કે હાલમાં તમામ મોબાઈલમાં આ સેવા સંભવતઃ ઉપલબ્ધ નહીં થાય, ભલે તે 5Gને સપોર્ટ કરતો હોય.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે રિલાયન્સે ગુજરાતીઓને મોટી ભેટની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં આજથી જ JIO TRUE-5Gનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ‘જિયો વેલકમ ઑફર’ સાથે, યુઝર્સ 1Gbps કરતાં વધુ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે. જિયો હેલ્થકેર, એગ્રિકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં TRUE 5G-સંચાલિત સિરીઝથી શરૂઆત કરશે.
અત્યાર સુધી 4જી સેવામાં ગ્રાહકોને 1Gbps સુધીની સ્પીડ મળતી હતી. પરંતુ હવે 5જી સેવા શરૂ થતાં 10 Gbps સુધીની જબરદસ્ત સ્પીડ મળશે. એટલે કે અત્યાર સુધી મોબાઈલ કે અન્ય ઉપકરણથી વીડિયો કે મોટી ફાઈલો મોકલવામાં જે વાર લાગતી હતી, તે હવે નહીં લાગે. ફોટો ડાઉનલોડ કરવા કે વીડિયો જોવા માટે જે બફરિંગનો ત્રાસ પડતો હતો, તેનાથી મોટી રાહત મળશે. જો કે એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે હાલમાં જિયોની આ TRUE-5G સેવાનો લાભ તમામ મોબાઈલ ધારકોને કદાચ નહીં પણ મળે. અલબત્ત ટૂંક સમયમાં જ તમામ 5જી એનેબલ મોબાઈલમાં સેવા શરૂ થઈ જશે.