July 21, 2025

22 જાન્યુ.એ અમદાવાદમાં ભૂદેવો-સનાતનીઓનું વિરાટ સંમેલન

  • દુર્ગાધામ દ્વારા આયોજન, 50 હજારથી વધુ લોકો ઉમટી પડશે, તમામ દ્વિજને એકમંચ ઉપર લાવવાનો શુભ હેતુ
  • બ્રાહ્મણો ઉપરાંત યજ્ઞોપવિત ધારણ કરનારા સમાજને પણ પધારવા આમંત્રણઃ લોક ડાયરો સહિતના કાર્યક્રમો

બ્રાહ્મણોને એકમંચ ઉપર લાવવાનું કામ કપરૂં છે, છતાં દુર્ગાધામના આયોજકો દ્વારા ભૂદેવોની એકતા માટે એક વિરાટ સંમેલનનું આયોજન કરાયું છે. આયોજન બાદ ક્રમશઃ તેમાં બદલાવ કરાયો છે અને માત્ર બ્રાહ્મણો જ નહીં પરંતુ યજ્ઞોપવિત ધારણ કરવાનો જેમને અધિકાર છે તે ક્ષત્રિય, સોની, પંચાલ, સુથાર, બ્રહ્મભટ્ટ, રાજપૂત, વૈશ્ય લોહાણા વિગેરે ઉપરાંત રામાનંદી સાધુ તેમજ સંત સમાજને પણ આ મેળાવડામાં આમંત્રણ અપાયું છે.

તા. 22મી જાન્યુ. 2023ના રોજ અમદાવાદ શહેરના રિવર ફ્ર્ન્ટ સ્થિત વલ્લભ સદન ખાતે આ ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં દિપ પ્રાગટ્ય સાંજે 6 કલાકે, દુર્ગાધામ પ્રેઝન્ટેશન 6.15 વાગ્યે, પ્રમુખશ્રીનું વક્તવ્ય 6.30 અને સંજયભાઈ રાવલનું ઉદ્બોધન 6.45 વાગ્યે રહેશે. સાંજે 7 વાગ્યાથી માયાભાઈ આહિર તેમજ કિર્તીદાન ગઢવીનો લોકડાયરો રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતી રંગમંચ, ગીત-સંગીત જેવા ક્ષેત્રોના અગ્રણી કલાકારો પરફોર્મન્સ આપશે.

તમામ દ્વિજને એક મંચ ઉપર લાવવા દુર્ગાધામનો મૂળભૂત હેતુ છે, જે પૂર્ણ કરવા માટે દુર્ગાધામના પ્રણેતા અને બ્રહ્મ સમાજના નેતા ભાઈશ્રી ભાવેશભાઈ રાજ્યગુરુજી પોતે સૌને સાથે રાખી દિન-રાત ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. તે ફક્ત બ્રહ્મસમાજનું જ નહીં, સનાતન ધર્મનું ગૌરવ છે.
સમગ્ર પૃથ્વી ઉપર વ્યાપ્ત આર્ય સંસ્કૃતિ ઉપર હજારો વર્ષોથી વિધર્મીઓના થઈ રહેલા અત્યાચાર કે સાંસ્કૃતિક આક્રમણથી દિન-પ્રતિદિન નષ્ટ થઈ રહેલા આપણા સનાતન ધર્મને પુનઃ સ્થાપિત કરવા દુર્ગાધામનું નિર્માણ થઈ રહ્યું છે, અને તે માટે બ્રહ્મ સમાજની એકતા અનિવાર્ય છે.જો આજે આપણે તેની ઉપેક્ષા કરીશું કે આળસ કરીશું તો…આપણી ભવિષ્યની પેઢીઓ માટે અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થશે અને ઇતિહાસ આપણને એ ક્ષમા નહીં કરે. અને એ માટે આપણે સૌ હિન્દુ ભાઈઓ બહેનો 22 જાન્યુઆરીએ વિરાટ સંખ્યામાં એકત્ર થઈને સનાતન ધર્મની બ્રહ્મશક્તિને પુનઃ જાગૃત કરીએ તેવું દુર્ગાધામના આયોજકોએ જણાવ્યું છે.