July 21, 2025

સુરતના સચિનમાં રખડતા શ્વાને ઘર પાસે રમી રહેલાં બાળક પર કર્યો હુમલો

વારંવાર શ્વાનો દ્વારા મનુષ્યો પર થતાં હુમલાઓની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક રખડતા શ્વાને ઘર બહાર રમી રહેલાં એક ત્રણ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. આ માસુમ બાળકના માથા પર શ્વાને 4 બચકા ભરી લેતાં બાળકને ગંભીર ઈજા થઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને માતા-પિતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

સુરત સચિન જીઆઇડીસી વિસ્તારમાં કડીયા કામ કરતાં મૂળ દાહોદના વતની મુકેશ માવી છેલ્લાં 10 વર્ષથી 4 બાળકો સહિત પત્નીનું ગુજરાન ચલાવી રહ્યા છે. બપોરે 12 વાગ્યાના અરસામાં 3 વર્ષીય સંતોષ ઘર બહાર અન્ય બાળ મિત્રો સાથે રમી રહ્યો હતો ત્યારે અચાનક એક રખડતા શ્વાને હુમલો કર્યો હતો અને 5 બાળકો પૈકી સંતોષના માથાને શ્વાને જડબામાં પકડી લીધું હતું.

શ્વાનના આ હુમલાને જોઈ દોડી આવેલા સ્થાનિક લોકોએ મહામુસીબતે શ્વાનના મોઢામાંથી સંતોષને છોડાવ્યો હતો. ખૂબ ગંભીર રીતે શ્વાને હુમલો કર્યો હતો અને સંતોષના માથાની બધી ચામડી ચીરી નાખી હતી. જો સ્થાનિકો સમયસર દોડી આવ્યા ન હોત તો આજે માસુમ સંતોષ શ્વાનનો શિકાર બની ગયો હોત.