સુરતમાં કૂતરાં પાછળ દોડતા યુવકનો જીવ ગયો

- સુરત મહાનગરપાલિકાએ રસીકરણ અને ખસીકરણ પાછળ સાડા પાંચ કરોડ ખર્ચી નાંખ્યા પરંતુ બધું વ્યર્થ, કૂતરાંની સમસ્યા ઘટવાને બદલે વધીને વિકરાળ બની ગઈ
સુરતના સૈયદપુરા ભંડારીવાડમાં કૂતરાંનું ટોળું પાછળ પડતાં પટકાયેલા યુવકનું મોત, સમગ્ર શહેરમાં કૂતરાંના આતંકથી લોકો ભયભીત
સુરતઃ સુરત શહેરમાં દિન-પ્રતિદિન કૂતરાંઓનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. થોડા દિવસો પૂર્વે સૈયદપુરાનો એક મુસ્લિમ યુવક નમાઝ પઢીને આવી રહ્યો હતો ત્યારે કૂતરાંનું ટોળું તેની પાછળ દોડતાં યુવક જીવ બચાવવા દોડ્યો હતો. જો કે આ દરમિયાન અકસ્માતે પટકાતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું.
સૈયદપુરા ભંડારીવાડમાં રહેતો ઈબ્રાહીમ ઉર્ફે એઝાજ અહેમદ અનસારી બારેક દિવસ પૂર્વે મસ્જિદમાંથી નમાઝ પઢીને નીકળ્યો હતો. દરમિયાન કેટલાક કૂતરાં તેની પાછળ પડી ઘુરકીયા કરતાં ઈબ્રાહીમ ડરી ગયો હતો અને બચવા માટે તેણે દોડવાનું શરૂ કર્યું હતું. જો કે કૂતરાંનું ટોળું પણ તેની પાછળ પડતાં ઈબ્રાહીમે જીવ બચાવવા જોરદાર દોટ મૂકી હતી અને તે પટકાતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. 12 દિવસની સારવાર બાદ હેમરેજને પગલે તેનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફરી વળ્યો છે.
છેલ્લા ઘણાં વર્ષોથી કૂતરાંના ત્રાસની ફરિયાદો સુરત મહાનગરપાલિકાને કરવામાં આવી રહી છે, પરંતુ આજદિન સુધી તેનું યોગ્ય નિરાકરણ થયું નથી. જેથી વધુ ને વધુ લોકો કૂતરાંના આતંકનો ભોગ બની રહ્યા છે.
એક અંદાજ મુજબ સુરત મહાનગરપાલિકાએ કૂતરાંની વસ્તીને કાબુમાં લેવા માટે માત્ર ત્રણ જ વર્ષમાં સાડા પાંચ કરોડ રૂપિયાથી વધુ ખર્ચી નાંખ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની આ કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. રસીકરણ અને ખસીકરણનો કોઈ ફરક જ પડ્યો ન હોય તેમ કૂતરાંની વસ્તી સતત વધતી જઈ રહી છે. ત્રણ વર્ષ પહેલાં 48 હજાર કૂતરાનું રસીકરણ ખસીકરણ થયું હોવાનું પાલિકા દ્વારા જાહેર કરાયું હતું, જો કે આજે કૂતરાંની વસતિ વધીને 82 હજારથી વધુ પહોંચી ગઈ છે.
એટલું જ નહીં, ત્રણ વર્ષમાં જ બાઈટડોગના 79 હજારથી વધુ કેસ શહેરમાં નોંધાયા છે અને કૂતરાં કરડવાનો ભોગ બનેલા કે કૂતરાંથી અન્ય રીતે ત્રાસ પામેલા 8 લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા તાકીદે કૂતરાંના ત્રાસ પર અંકુશ લાદે તે જરૂરી બન્યું છે.
