જિલ્લા સંકલન બેઠકમાં મેટ્રો અને દબાણોની સમસ્યાનો મારો ચાલ્યો

- જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી
- વિવિધ જાહેર પ્રશ્નોના ઝડપી નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારીએ સૂચનાઓ આપ્યા
માહિતી બ્યૂરો:સુરત: શનિવાર:* સુરત જિલ્લા સેવા સદન ખાતે સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને મળી હતી. ધારાસભ્યો તથા વિવિધ વિભાગોના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જનપ્રતિનિધિઓ દ્વારા મળતી રજૂઆતોનો સમયબદ્ધ અને અસરકારક નિકાલ કરી, તેની જાણ પદાધિકારીઓને પણ કરવા અમલીકરણ અધિકારીઓને સુચનાઓ આપી હતી.
ધારાસભ્ય પુર્ણેશભાઈ મોદીએ બેઠકમાં વર્ષ ૨૦૦૬માં તાપી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ નદી કિનારાના વિસ્તારોની સુરક્ષા અને સુંદરતા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શીતલ ટોકીઝથી હજીરા સુધીના વિસ્તારમાં પાળા અને રિવરફ્રન્ટનું ડેવલોપમેન્ટ ઝડપથી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. ધારાસભ્યશ્રીએ શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૨માં પ્રોપર્ટી કાર્ડને લઈને નાગરિકોને પડતી મુશ્કેલીઓ બાબતે રજુઆત કરતાં નિવાસી અધિક કલેકટરે જણાવ્યું કે, આ બાબતે અલગથી મિટીંગ કરવામાં આવી છે. રીસ્ટ્રકચર માટે અલગથી પ્રપોઝલ તૈયાર કરી, સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે. જેથી પાનિયા બનાવવા સહિત મુશ્કેલી નિવારી શકાય.

વધુમાં ધારાસભ્ય મોદીએ શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આ અંગે મેટ્રોની અત્યાર સુધીની પ્રગતિ અને આગામી આયોજન અંગેનો વિગતવાર રિપોર્ટ તૈયાર જાણ કરવા રજુઆત થતાં મેટ્રો રેલના અધિકારીએ લોકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાંઓ લેવા અને પ્રગતિ રીપોર્ટ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવામાં પડતી હાલાકી દૂર કરવા માટે નવી વાજબી ભાવની દુકાનો માટે જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરી છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, કાર્ડ ધારકોને મુશ્કેલી ન પડે તે માટે કાર્યવાહી થશે. મોરા ભાગળ ખાતે નવા સર્કલની કામગીરી બાબતની રજૂઆત કરતાં, મહાનગર પાલિકાના અધિકારીએ નવી ડીઝાઇન તૈયાર કરી, સર્કલનું નિર્માણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ધારાસભ્ય પ્રવિણ ધોધારીએ કરંજ વિધાનસભા વિસ્તારમાં લંબે હનુમાન રોડ, વસંતભિખાની વાડી, શક્તિ ટાવર, ઠાકોર કોલોની પંચરત્ન ટાવરના રહીશોને મેટ્રો રેલવે કામગીરીને બેરીકેટિંગથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓના ડાયવર્ઝનથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડે તેવી રજુઆત કરતાં મેટ્રોના અધિકારીએ લોકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ વરાછા વિસ્તારમાં સહિત શહેરના દરેક બ્રિજ નીચેના દબાણ દૂર કરવા તેમજ દબાણ દૂર કરી સતત મોનિટરીંગ કરવા રજુઆત કરતાં, મહાપાલિકા અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીએ જરૂરી પગલાઓ લેવા જણાવ્યું હતું. શાકભાજીના ફેરિયાઓ દ્વારા રસ્તા પર કરવામાં આવતા દબાણને કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બને છે. ત્યારે જે તે વિસ્તારમાં શાકમાર્કેટ બનાવવામાં આવી છે, ત્યાં શાકભાજી વિક્રેતા અને ફેરિયાઓને સમજાવી ત્યાં બેસાડવામાં આવે તો પ્રશ્નનું નિરાકરણ આવી શકે તેમ મહાપાલિકાના અધિકારીને જણાવ્યું હતું.
સંકલન ભાગ-૨ અધિકારીઓની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના ઓનલાઇન પોર્ટલ મળતી રજુઆતને ગંભીરતાથી લઇ, આવી અરજીઓનો નિકાલ નિકાલ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. રાજય સરકારની અમલી બનાવાયેલી યોજનાઓનું સુદઢપણે અમલીકરણ થાય તે માટે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.
આ સંકલન બેઠકમાં માંડવી પ્રાયોજના અધિકારીશ્રી સુનિલ, પ્રાંત અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારી સહિત વિવિધ વિભાગના પદાધિકારીઓ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.-૦૦-
