March 24, 2026

સાચવજો, ગરમી વધવાની આગાહી, તડકામાં રખડવા નીકળતા નહીં

  • આગામી 48 કલાક માટે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર
  • બપોરે કામ વગર બહાર નહીં નીકળવા, ખૂબ પાણી-પ્રવાહી લેવા સહિતની સલાહ

એક તરફ ઉત્તર ભારતમાં હિમપ્રપાતની સ્થિતિ જોવા મળી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં ઉનાળાએ આકરા તેવર દેખાડવા માંડ્યા છે. રાજ્યભરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ ચકરાવા લાગ્યું છે ત્યારે આ કાળઝાળ ગરમીથી લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરાતા સ્થિતિ વધુ વણસે તેવી આશંકા છે. જેને પગલે સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે.
ગરમી વધવાની સાથે જ સુરતની સિવિલ અને સ્મીમેર જેવી હોસ્પિટલોમાં લૂ અને ડિહાઇડ્રેશનના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માથાનો દુખાવો, ચક્કર આવવા અને ઉલટી-પારા જેવા લક્ષણો સાથે દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.​ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમી હજુ પણ વધી શકે છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે​ બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું.​ સીધા સૂર્યપ્રકાશથી બચવા અને શરીરનું તાપમાન જાળવી રાખવા સલાહ અપાઈ છે.
ગરમીથી બચવા માટે નિષ્ણાતોએ સૂચનો કર્યા છે કે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું. આ ઉપરાંત લીંબુ પાણી, છાશ અને નારિયેળ પાણીનો ઉપયોગ વધારવો. શરીરને ઠંડક મળે તેવા સફેદ અથવા આછા રંગના સુતરાઉ અને ઢીલાં કપડાં પહેરવા. બહાર જતી વખતે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો અને મોઢું રૂમાલથી ઢાંકીને રાખવું. શરીરમાંથી સતત પરસેવો નીકળવાને કારણે ક્ષાર ઓછો ન થાય તેનું ધ્યાન રાખવું.ગરમીની સૌથી વધુ અસર બાળકો પર થતી હોવાથી વાલીઓને ખાસ કાળજી રાખવા જણાવાયું છે. શાળાએ જતાં બાળકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવડાવવું અને તડકામાં રમવા ન દેવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી ૪૮ કલાક દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. પવનની દિશા બદલાતા અને ગરમ પવનો ફૂંકાવાને કારણે હજુ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *