July 21, 2025

ને.હા. નં. 6 (53)ની બિસ્માર હાલત અંગે ડો. રવિન્દ્ર પાટિલનો ગડકરીને પત્ર

  • પાંચેક મહિનાથી હાઈવે ઓથોરિટીએ વિસ્તરણનું કામ બંધ કરી દેતાં રોડની સ્થિતિ અત્યંત બદતર
  • ખાડા, ટેકરા, ડાઈવરઝન વિગેરે અનેક મુશ્કેલીઓથી વાહનચાલકોની કમર તૂટે છે, મોટા અકસ્માતનું પણ જોખમ
  • 40 કિ.મી.થી વધુ ઝડપે વાહન ચલાવી શકાતું નથી, 225 કિ.મી. કાપવા 8 કલાક વેડફાઈ જાય છે

સુરતના માજી ડે. મેયર અને મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી ડો. રવિન્દ્ર પાટિલે, નેશનલ હાઈવે નં. 53 (જૂનો ને.હા. નં. 6)ની બિસ્માર હાલત અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને લેખિત ફરિયાદ કરી છે. ડો. પાટિલે જણાવ્યું છે કે આ હાઈવેની હાલત અત્યંત બદતર સ્થિતિમાં છે અને તેને કારણે મોટા અકસ્માતો અને લોકોના જીવનું જોખમ રહેલું છે.

ડો. પાટિલે પત્રમાં લખ્યું છે કે છેલ્લા પાંચેક મહિનાથી હાઈવે ઓથોરિટીએ આ હાઈવેના વિસ્તરણનું કામ બંધ કરી દીધું છે. એટલું જ નહીં, અધૂરૂં કામ યથાવત સ્થિતિમાં છોડી દેવાતાં વાહનચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. રોડ ઉપર મોટા ખાડા, ટેકરા, ડાઈવરઝન જેવી અનેક મુશ્કેલીઓને જૈસે થે હાલતમાં છોડી દેવામાં આવી છે. જેને કારણે વાહનચાલકો 40 કિ.મી.થી વધુની ઝડપી વાહન ચલાવી શકાતા નથી. એક તરફ હાઈવે ઓથોરિટી દરરોજ 25 કિ.મી.ના રસ્તાઓ બનાવવાનો દાવો કરે છે, ત્યારે ને.હા. નં. 53ની હાલત જોતાં તે હાસ્યાસ્પદ લાગે છે.

ટૂંકમાં જ હવે ચોમાસુ પણ આવી જશે ત્યારે આ નેશનલ હાઈવેની સ્થિતિ વધુ ખરાબ થશે તે વાત ચોક્કસ છે. ડો. પાટિલે પરિવહન મંત્રી ગડકરીને વિનંતી કરી છે કે તાકીદના ધોરણે આ વાત ધ્યાને લઈ ને.હા. નં. 53ના વિસ્તરણનું અધૂરૂં કામ પુરૂં કરાવો. અથવા તો જે હયાત રોડ છે તેની હાલત પણ સુધારો તો વાહનચાલકો માટે રાહત આપનારૂં રહેશે.ડો. પાટિલે ઉમેર્યું છે કે પોતે અને પોતાના જેવા હજારો પરિવારો કે જેઓ ખાનદેશ પ્રદેશના છે, તેઓ સુરત સહિતના દ.ગુ.ના વિસ્તારોમાં સ્થાયી થયા છે. સામાજિક સારા-નરસા પ્રસંગોએ અવારનવાર વતન જવાનું રહે છે. જેમાં ને.હા. નં. 53ના અમરાવતી, અકોલા, જલગાંવ, ફાગને રોડનો ઉપયોગ કરે છે. અમારે વતન જવાના 225 કિ.મી.નું અંતર કાપવા 8 કલાક જેટલો સમય રોડની ખરાબ સ્થિતિને કારણે વેડફાઈ જાય છે. એક તો મોટા અકસ્માત અને જીવનું જોખમ રહે છે, તો બીજી તરફ ઈંધણ વધુ જાય છે, વાહનોને પણ ટાયર, શોક-અપ્સ સહિતનું નુક્સાન વધી જાય છે.