ગુજરાતમાં 3જી માર્ચથી CNGનું વેચાણ અચોક્કસ મુદ્દત માટે બંધ થશે

- પાંચેક વર્ષથી ડીલર્સ માર્જીન નહીં વધારાતાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસો.ની જાહેરાત
- અગાઉ પ્રતિક હડતાળ પણ કરી હતી પરંતુ નીવેડો નહીં આવતાં નિર્ણયઃ રીક્ષાચાલકોની હાલાકી વધશે
ગુજરાતમાં CNGના ડીલર્સ કમિશનના વિવાદને પગલે રીક્ષાચાલકો તેમજ કારચાલકો માટે મોટી આફત આવી રહી છે. કારણકે તા. 3જી માર્ચથી રાજ્યમાં CNGનું વેચાણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાની આજે વિધિવત જાહેરાત કરી દેવામાં આવી છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસો. દ્વારા આજે જણાવાયું છે કે છેલ્લા પાંચેક વર્ષથી એટલે કે 55 જેટલા મહિનાથી ડીલર્સનું કમિશન વધારવામાં આવ્યું નથી. પેટ્રોલિયમ કંપનીઓને અનેક વખત રજુઆતો, ચર્ચા કરવા છતાં ડીલર્સ કમિશન વધારવાનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ગઈ તા. 6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ CNG પંપના સંચાલકો દ્વારા પ્રતિક હડતાળ પાડવામાં આવી હતી, પરંતુ તે છતાં પણ તેમની માંગણીઓ મુદ્દે યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.
જેથી આગામી તા. 3જી માર્ચથી અચોક્કસ મુદ્દત માટે CNG પંપ પરથી CNGનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી ડીલર્સ કમિશન વધારવા સહિતની માંગણીઓ પેટ્રોલિયમ કંપનીઓ નહીં સંતોષે ત્યાં સુધી CNGનું વેચાણ રાજ્યમાં ક્યાંય પણ કરાશે નહીં, તેવી જાહેરાત એસો. દ્વારા કરી દેવામાં આવી છે.
સ્વાભાવિક રીતે જ રાજ્યભરમાં મોટાભાગે CNG રીક્ષાઓ જ ફરી રહી છે, ત્યારે CNGનું વેચાણ જો અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે તો રીક્ષાચાલકો કે જેઓ રોજનું કમાઈને ખાનારા છે, તેમની આવક સદંતર બંધ થઈ જશે. આ ઉપરાંત સ્કૂલ વર્દી કે અન્ય કમર્શિયલ કાર, બસ કે જેઓ પણ ઈંધણ તરીકે CNGનો ઉપયોગ કરે છે, તેમનું પરિવહન પણ સદંતર ઠપ્પ થઈ જશે.
