February 11, 2026

નવસારી પાલિકાની બેદરકારીથી ગાયો મરી રહી છે!!!

  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ ગૌરક્ષકોની તપાસ દરમિયાન ત્રણ ગાયનાં કરૂણ મોત નીપજ્યાની હકીકત સામે આવી
  • હકીકત છૂપાવવા ત્રણેય ગાયના મૃતદેહોને બંદરરોડ સ્થિત ડમ્પિંગ યાર્ડમાં ફેંકી દેવાયા
  • દૂધિયા તળાવ પશુવાડામાં પણ ગાયોની માવજતમાં ગંભીર બેદરકારી, ક્રૂરતાપૂર્ણ વ્યવહાર સામે આવ્યો
  • નવસારી કલેક્ટર, જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર, પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધવા માંગ

ગૌરક્ષકો તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા નવસારી નગરપાલિકા સામે અત્યંત ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પાલિકાની બેદરકારી અને ક્રૂર વ્યવહારને કારણે ત્રણ ગાયનાં મોત થયા છે અને જ્યાં ગાયોને રાખવામાં આવી છે, ત્યાં પણ તેમની હાલત અત્યંત દયનીય છે. જેથી ગૌવંશ સામે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર આચરનારા પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે ગુનો નોંધી દાખલો બેસાડવા નવસારી કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુઓ બાબતે ગંભીર બેદરકારી અને પશુ ક્રૂરતા કરવામાં આવી છે, જેના પરિણામે અનેક ગૌમાતાઓના મૃત્યુ થયા છે.
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુઓને દુધિયા તળાવ પાસે રાખવામાં આવ્યા છે. તારીખ 15.12.2025ના રોજ સવારે અમને એક કાર્યકર્તા દ્વારા માહિતી મળી કે ત્યાં રાખવામાં આવેલી ત્રણ ગૌમાતા મૃત્યુ પામી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તે મૃતદેહોને ટ્રેક્ટરમાં ભરી બંદર રોડ સ્થિત ડમ્પયાર્ડ ખાતે લઈ ગયા છે. આ માહિતી મળતા રાકેશ શર્મા, સાજન ભરવાડ અને મોહિત હિરાણી તરત સ્થળ પર પહોંચ્યા. ત્યાં હાજર સ્ટાફને પૂછતાં તેમણે ખોટું નિવેદન આપ્યું કે “કંઈ જ થયું નથી”. જોકે સ્થળ પર JCBના ટાયરનાં સ્પષ્ટ નિશાન જોવા મળ્યા.

ત્યારબાદ અમે રૂબરૂ બંદર રોડ ડમ્પયાર્ડ પહોંચ્યા, જ્યાં ત્રણ મૃત ગૌમાતાઓને ફેંકી દેવાયેલ હાલતમાં જોયા. ત્યાં વધુમાં અન્ય અનેક ગૌમાતાઓના સડેલા મૃતદેહો તથા હાડપિંજર જેવી હાલતમાં જોવા મળ્યા, જે અત્યંત અમાનવીય અને ચોંકાવનારી બાબત છે. પછી ફરી પશુવાડા પર આવતાં ત્યાં ત્રણ ગાયો ગંભીર રીતે બીમાર હાલતમાં જોવા મળ્યા. સ્ટાફે જણાવ્યું કે “સાહેબને ફોન કર્યો છે પરંતુ કોઈ ડોક્ટર આવ્યો નથી”. ત્યારબાદ અમે જિલ્લા નિયામક અધિકારી ડૉ. મહેશ પટેલનો સંપર્ક કર્યો, જેમની મદદથી સરકારની બે પશુ એમ્બ્યુલન્સ ડોક્ટરો સાથે પહોંચી અને સારવાર શરૂ કરાઈ.

તપાસ દરમિયાન વધુ ગંભીર હકીકતો સામે આવી:

  1. એક ગાય વિયાણી હતી અને તેનો મૃત વાછરડો પણ ડમ્પયાર્ડમાં ફેંકી દેવાયો હતો.
  2. તે ગાયનું પાછળનું વેસ્ટ લટકતું હતું, જે ઘોર બેદરકારી દર્શાવે છે.
  3. એક ગાયને પાછળ મોટી ગાંઠ સડી ગયેલી હાલતમાં હતી, જેને કરુણા મંડળ શાંતાદેવી ખાતે સારવાર માટે ખસેડવામાં આવી.
  4. પશુ ડોક્ટરશ્રીએ સ્પષ્ટ જણાવ્યું કે ગાયોનું આ હાલતનું મુખ્ય કારણ ભૂખમરો છે.
  5. ચાર દિવસમાં માત્ર 200 પુડા ઘાસ આપવામાં આવે છે, એટલે કે દરરોજ માત્ર 50 પુડા ઘાસ અંદાજે 150 ગાયો માટે, જે સંપૂર્ણપણે અપૂરતું છે.
  6. પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નહોતી.
  7. ગાયો માટે સડેલો શાકભાજી માર્કેટનો કચરો (કાંદાના છોતરા, સડેલું શાક) ખવડાવવામાં આવતો હતો, જે પશુઓના આરોગ્ય માટે ઘાતક છે.
  8. સ્થળ પર લગાવવામાં આવેલા બે CCTV કેમેરા બંધ હાલતમાં હતા, જે ગંભીર શંકા ઉપજાવે છે.
  9. ત્રણ મૃત ગૌમાતાઓને NMCના કચરા વાહનમાં ગુપ્ત રીતે લઈ જઈ શહેરના ડમ્પિંગ સાઇટ પર ખુલ્લામાં કચરા સાથે ફેંકી દેવાયા, જ્યાં કૂતરાં અને પક્ષીઓએ મૃતદેહ ખાધા.
  10. મૃત પશુઓનો કોઈ વૈજ્ઞાનિક, કાયદેસર નિકાલ (burial/incineration) કરવામાં આવ્યો નથી, જેના કારણે **બાયો-મેડિકલ, હવા અને જમીન પ્રદૂષણ થયું.
  11. કોઈ યોગ્ય caretaker, રેકોર્ડ, લોગબુક, ફોટોગ્રાફિક દસ્તાવેજ કે હેન્ડઓવર નોંધ જાળવવામાં આવી નથી; ગાયો ગેરરીતે ખાનગી વ્યક્તિઓને સોંપવામાં આવી.
  12. મૃત ગૌમાતાઓને કચરા સાથે ફેંકી દેવું એ હિન્દુ ધર્મની ધાર્મિક લાગણીઓનો ગંભીર અપમાન છે તથા બંધારણની કલમ 25નું ઉલ્લંઘન છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે આ તમામ હકીકતો પરથી સ્પષ્ટ થાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગૌમાતાઓ પ્રત્યે ક્રૂરતા, ઘોર બેદરકારી અને ફરજમાં ગંભીર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે ભારતીય દંડ સંહિતા તથા Prevention of Cruelty to Animals Act, 1960 હેઠળ દંડનીય ગુનો બને છે.

જેથી આપને વિનંતી છે કે

  1. જવાબદાર મ્યુનિસિપલ અધિકારીઓ તથા કર્મચારીઓ સામે યોગ્ય કલમો હેઠળ FIR નોંધવામાં આવે.
  2. ગૌવંશના મૃત્યુ, ગેરકાયદેસર ડમ્પિંગ, પુરાવા નષ્ટ કરવાના પ્રયાસો અને વાહનોના દુરુપયોગ બાબતે સ્વતંત્ર, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે.
  3. ખોટી માહિતી અને પુરાવા નષ્ટ કરવા બદલ **કડક વિભાગીય તથા ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
  4. ડમ્પયાર્ડ તથા પશુવાડાની તાત્કાલિક તપાસ કરવામાં આવે.
  5. CCTV બંધ રાખવા અને પુરાવા નષ્ટ કરવા બાબતે તપાસ કરવામાં આવે.
  6. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

આ બાબતે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા રાકેશ શર્મા (AHP જિલ્લા અધ્યક્ષ), સાજન ભરવાડ (ગૌ સાંસદ – નવસારી), મોહિત હિરાણી (ગૌ વિધાયક -નવસારી) અને કિશોરભાઈ કબાટવાળા (દક્ષિણ ગુજરાત પ્રાંત AHP અધ્યક્ષ) દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

SPCA (Society for the Prevention of Cruelty to Animals) સંસ્થાના વડા કોણ?


SPCA પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવાની સંસ્થા છે, જેના પ્રમુખ નવસારી કલેક્ટર અને ઉપપ્રમુખ નવસારી જિલ્લા પોલીસ વડા છે. આ સંસ્થા પશુઓ પર થતી હિંસા, બેદરકારી અને દુર્વ્યવહાર સામે કામ કરે છે. હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર કૃત્યમાં સંસ્થા આગળ શું કાર્યવાહી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *