July 21, 2025

ઔરંગઝેબના ફોટા સાથે ડાન્સ કરનારા 8 વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાની ઘટના, સંદલ જુલૂસમાં ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના ફોટા સાથે કેટલાક લોકો નાચ્યા હતાં
  • વીડિયો વાઈરલ થતાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી ઔરંગઝેબનું પૂતળું બાળતાં તંગદિલી

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક ઘટનાએ કોમી શાંતિને ડહોળી નાંખી છે. હકીકતમાં એક ધાર્મિક જુલૂસમાં કેટલાક લોકોએ ઔરંગઝેબના ફોટા સાથે ડાન્સ કરતાં હિન્દુ સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો અને ઔરંગઝેબનું પૂતળું બાળ્યું હતું. વિરોધને ખાળવા સાથે પોલીસે ઔરંગઝેબનો ફોટો લઈને ડાન્સ કરનારા 8 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

હકીકત એવી છે કે તા. 14મીના રોજ વાશિમ જિલ્લાના મંગરૂલપીર ખાતે દાદા હયાત કલંદર સાહેબનું સંદલ જુલૂસ શ્રદ્ધાપૂર્વક કાઢવામાં આવ્યું હતું અને તેમાં સેંકડો લોકો જોડાયા હતાં. આ જુલૂસમાં કેટલાક લોકો હાથમાં ઔરંગઝેબ તો કેટલાક લોકો ટીપુ સુલતાનના ફોટા સાથે નાચ્યા હતાં. આ વીડિયો વાઈરલ થયો, તો હિન્દુ સંગઠનોએ વિરોધ શરૂ કર્યો હતો. હિન્દુ સંગઠનના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ઔરંગઝેબના પૂતળાનું દહન કર્યું હતું.

તંગદિલી વધતાં પોલીસ એલર્ટ થઈ હતી અને જિલ્લામાં લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો છે. સાથે જ હાથમાં ઔરંગઝેબના ફોટા સાથે નાચેલા 8 જેટલા લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય ઘટના બની નથી અને શાંતિનો માહોલ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.