February 11, 2026

આજે અંગારકી ચોથ, પાલ સિદ્ધિવિનાયક મંદિરે ભવ્ય ગણેશ યાગ

  • આજે અંગારકી ચોથ, પાલપાટીયા સિદ્ધી વિનાગક ગણપતિ મંદીરમાં ગણેશયાગનું વિશેષ આયોજન
  • અંગારકી ચૌથનો ઉપવાસ કરવાથી 21 ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે

સુરત, તા.5 આવતીકાલ તા.6 જાન્યુઆરી 2026ને મંગળવારે અંગારકી ચોથનો મહાપૂણ્યશાળી યોગ હોઇ, સુરતના પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ યાગનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 કલાકે ગણેશ યાગ શરૂ થશે અને સાંજે 4 કલાક બાદ તેની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. તદુપરાંત સાંજે 7 કલાકે મહાઆરતી અને રાત્રે 8 કલાકે સમૂહ હનુમાન ચાલિસા ગાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સિદ્ધી વિનાયક ગણપતિ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે મંગળવાર સાથે વદ-ચોથ આવે તેને અંગારકી ચોથ કહેવાય છે. જેને બીજા શબ્દોમાં સંકટ ચતુર્થી એટલે કે, સંકટમાંથી મુક્ત કરવાવાળી ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે અને ભગવાન વિનાયક તમામ સંકટ હરે છે.

દર મહિને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાસ પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર 21 ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે.

નીતિન મહેતાએ ઉમેર્યું કે ગણેશ ભગવાન બુદ્ધિના દેવતા છે, યુવાઓ ખાસ કરીને આગામી ફેબ્રુઆરી, માર્ચમાં જેમની પરીક્ષાઓ યોજાવાની છે, એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિના દર્શન કરીને સકારાત્મક વાઇબ્સની અનુભૂતિ સાથે પરીક્ષા આપતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *