RSS 6 નવેમ્બરે તમિલનાડુમાં 50 સ્થળોએ રૂટ માર્ચ યોજવા તત્પર, હાઈકોર્ટ 44 સ્થળોએ પરવાનગી આપી શકે

અગાઉ તમિલનાડુની ડીએમકે સરકાર તેમજ પોલીસે અનેક રૂટ માર્ચ સ્થળોએ અનિચ્છનીય બનાવોની આશંકા દર્શાવી મંજૂરી આપવા ઈનકાર કર્યો હતોઃ મદ્રાસ હાઈકોર્ટે ગુપ્તચર અહેવાલો તપાસી 44 સ્થળોએ મંજૂરી આપવા તૈયારી દર્શાવી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તમિલનાડુમાં 6ઠ્ઠી નવેમ્બરે રાજ્યભરના 50 સ્થળોએ રૂટ માર્ચ યોજવાનું મન બનાવ્યું હતું. જો કે હવે મદ્રાસ હાઈકોર્ટે આજે તે સંઘને 44 સ્થળોએ રૂટ માર્ચ યોજવા પરવાનગી આપી શકે તેવું જણાવ્યું છે. અરજીની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટના જજ જી. કે. ઈલાન્થિરિયને જણાવ્યું કે તેમણે ગુપ્તચર અહેવાલોને તપાસ્યા છે. જેમાં 44 સ્થળોએ રૂટ માર્ચમાં કોઈ અનિચ્છનીય બનાવો બને તેવું લાગી રહ્યું નથી, જેથી આ 44 સ્થળોએ તે RSSને રૂટ માર્ચની મંજૂરી આપી શકે છે. અલબત્ત રૂટ માર્ચના 6 સ્થળોએ કોઈ અણછાજતા બનાવોની શંકાને પગલે મંજૂરી આપી શકાય તેમ નથી.
નોંધનીય છે કે RSSએ રૂટ માર્ચ સંબંધે જ્યારે પરવાનગી માંગી ત્યારે તમિલનાડુની ડીએમકે સરકારે અનેક માર્ચ રૂટના સંબંધમાં મનાઈ કરી દીધી હતી. RSSએ પોલીસ સમક્ષ પણ મંજૂરી માંગી ત્યારે ગુપ્તચર અહેવાલોને આગળ કરી અનિચ્છનીય ઘટનાની આશંકાએ કેટલાક માર્ચ રૂટ માટે ના પાડી હતી. અલબત્ત આજે મદ્રાસ હાઈકોર્ટમાં RSSની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 44 સ્થળોએ મંજૂરી આપવાની તૈયારી દર્શાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ RSSએ 2જી ઓક્ટોબરના દિવસે પણ રૂટ માર્ચની પરવાનગી માંગી હતી. જો કે રાજ્ય સરકારે કેટલાક સમૂહોના વિરોધને આગળ કરી કાયદો-વ્યવસ્થા નહીં બગડે તેવું કારણ આપી RSSને મંજૂરી આપી ન હતી.