સુરતીઓના માથે વેરાવધારો યથાવતઃ શાસકોએ માત્ર 6 કરોડ ઘટાડ્યા




- મ્યુનિ. કમિશનરે રજુ કરેલા બજેટમાં વેરાવધારો 307 કરોડ હતો, શાસકોએ ઘટાડીને 301 કરોડ મંજૂર કરી દીધો
- ભાજપ શાસકોએ કેપિટલ ખર્ચમાં રૂ. 141નો વધારો સુચવતાં બજેટ 7,707 કરોડથી વધીને 7,838 કરોડનું થયું
સુરત મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા પાલિકાના રૂ. 7,707 કરોડના બજેટ મુદ્દે ભાજપ શાસિત પાલિકાની સ્થાયી સમિતિએ મેરેથોન ચર્ચા બાદ નજીવા સુધારા વધારા સાથે બજેટ ઉપર મંજૂરીની મ્હોર મારી છે. સૌથી મહત્વની વાત શહેરીજનો માટે વેરાવધારો ઝીંકાવાની હતી, પરંતુ ભાજપ શાસકોએ પણ વેરાવધારાની મ્યુનિ. કમિ.ની દરખાસ્તને મંજૂર કરી દીધી છે.
શહેરના સાયન્સ સેન્ટર ખાતે આજે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અને તેમની ટીમ દ્વારા બજેટની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2022-23નું રિવાઈઝ બજેટ ઉપરાંત 2023-24નું ડ્રાફ્ટ બજેટ અભ્યાસમાં લીધા બાદ ભાજપ શાસકોએ તેમાં સામાન્ય સુધારા વધારા કર્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં રેવન્યુ આવકનો અંદાજ ડ્રાફ્ટ બજેટમાં રૂ. 4540.13 કરોડ હતો, જે સ્થાયી સમિતિએ ઘટાડીને રૂ. 4534.10 કરોડ કર્યો છે. એટલે કે વેરાવધારામાં રૂ. 6.03 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. અલબત્ત કેપિટલ આવકમાં રૂ. 138 કરોડનો વધારો સુચવાયો છે.
ખર્ચની વાત જોઈએ તો રેવન્યુ ખર્ચમાં શાસકોએ રૂ. 49.75 કરોડનો ઘટાડો સુચવ્યો છે. જો કે કેપિટલ ખર્ચમાં રૂ. 190.75નો વધારો સ્થાયી સમિતિએ સુચવ્યો છે. મ્યુનિ. કમિ.ના ડ્રાફ્ટ બજેટમાં કેપિટલ ખર્ચ રૂ. 3518.97 કરોડ હતો જે વધારીને રૂ. 3709.72 કરોડ સુચવવામાં આવ્યો છે. આમ વેરાવધારામાં નહીંવત્ ઘટાડાને બાદ કરતાં પાલિકાના શાસકોએ કેપિટલ કામોને પ્રોત્સાહન આપ્યું છે. એટલે કે મ્યુનિ. કમિ.એ રજૂ કરેલું ડ્રાફ્ટ બજેટ રૂ. 7,707 કરોડનું હતું, જે હવે વધીને 7,848 કરોડ થયું છે.