July 21, 2025

Surat: 51 પોલીસ અધિકારી-કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરાયા

સુરત શહેરના સચીન, સચીન જી.આઇ.ડી.સી., હજીરા, ડુમસ, ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઈન્સપેકટર, પોલીસ સબ ઈન્સપેકટર, એ.એસ.આઇ., અનાર્મ હેડ કોન્ટેબલ, લોકરક્ષક, હોમગાર્ડ મળી કુલ ૫૧ પોલીસકર્મીઓને ગુનાશોધક શાખાના નાયબ પો.કમિ.શ્રી રાજેશ પરમાર તથા એસીપી આર.એલ.માવાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મદદનીશ પોલીસ કમિ. દિપ વકીલ તથા હજીરા પોલીસ સ્ટેશનના પી.આઇ. જી.એસ.પટેલને સન્માનિત કરાયા હતા. સગીર બાળકીના અપહરણના ગુનામાં બે માસથી નાસતા-ફરતા આરોપીઓને ઉત્તરપ્રદેશથી પકડી પાડવા બદલ તેમજ વાંઝ ગામે થયેલી બેંક લૂંટના આરોપીઓને ઝડપવામાં મહત્વની ભુમિકા અદા કરનારા સચીન જી.આઇ.ડી.સી.ના પી.આઇ.શ્રી જે.આર.ચૌધરી, પો.સ.ઈ.શ્રી ડી.કે.સોલકી તથા અ.હેકો.સુરેશભાઈ તેમજ વાંઝની બેંક લુંટના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળ કામગીરી કરનારા અનાર્મ હે.કો. અજયભાઈ તથા મિહિરભાઈનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત નાસતા-ફરતા આરોપીઓ, તમંચા સાથે આરોપીઓને ઝડપવા તેમજ ગુજકોક, વાહનચોરી, લુંટ જેવા વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડી પાડવા બદલ પોલીસકર્મીઓને સન્માનિત કરાયા હતા.