February 11, 2026

મેદસ્વિતાને નિયંત્રણમાં લાવવા પોષક તત્વોથી ભરપૂર કઠોળની ભૂમિકા મહત્વની

  • રોજિંદા આહારમાં અંકુરિત (Sprouted) કઠોળને સામેલ કરીએ અને સ્વસ્થ જીવનનો અનુભવ કરીએ

માહિતી બ્યુરો,સુરત:શુક્રવાર: રાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતાને જાકારો આપવા અને તે બાબતે લોકોને જાગૃત કરવા ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આપણી જીવનશૈલીમાં થોડા પરિવર્તનો કરી મેદસ્વિતાને નિયંત્રણમાં લાવી શકાય છે. મેદસ્વિતા (ઓબેસિટી) મુક્તિ માટે કઠોળ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે.                 

કઠોળમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે પાચનતંત્રને સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આનાથી ભૂખ ઓછી લાગે છે અને વધુ ખાવાનું ટળે છે.કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ ઊંચું હોય છે, જે સ્નાયુઓની જાળવણી અને શરીરની ચયાપચયની પ્રક્રિયાને વેગ આપે છે. વધુ ચયાપચય દરથી કેલરી બર્ન થવામાં મદદ મળે છે. પ્રોટીન ભૂખને નિયંત્રિત કરે છે, જેથી નાસ્તામાં અનહેલ્ધી ખોરાક ખાવાની ઈચ્છા ઓછી થાય છે.                 

કઠોળમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, ખાસ કરીને સેચ્યુરેટેડ ફેટ, જે વજન વધારવાનું મુખ્ય કારણ હોય છે. ઓછી કેલરીવાળા હોવા છતાં, કઠોળ પોષણથી ભરપૂર હોય છે, જે વજન ઘટાડવાની ડાયટમાં આદર્શ બનાવે છે.                

કઠોળમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલેટ અને અન્ય પોષક તત્વો હોય છે, જે શરીરની ઊર્જા જાળવી રાખે છે અને ચયાપચયને સુધારે છે. આ પોષક તત્વો શરીરમાં પોષણની ઉણપને અટકાવે છે, જે ઘણીવાર વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન થઈ શકે છે.                 

કઠોળનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, જેનો અર્થ છે કે તે બ્લડ શુગરને ધીમે ધીમે વધારે છે. આનાથી ઇન્સ્યુલિનનું સ્તર સ્થિર રહે છે, જે ચરબીના સંગ્રહને ઘટાડે છે. કઠોળ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે, જે મેદસ્વિતા સંબંધિત ગૂંચવણો (જેમ કે હૃદયરોગ) ને રોકવામાં મદદરૂપ છે.કઠોળને બાફેલા, શાક, સૂપ, સલાડ કે ખીચડી સ્વરૂપે ખાઈ શકાય છે.તળેલા કે વધુ તેલવાળા કઠોળના વ્યંજન ટાળી રોજિંદા આહારમાં કઠોળને શામેલ કરવી જોઈએ કઠોળને અંકુરિત (Sprouted) કરીને ખાવાથી પોષણમાં વધારો થાય છે.                

આપણી જીવનનીશૈલીમાં સામાન્ય પરિવર્તનો જેવા કે રોજિંદા ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં કઠોળને સ્થાન આપવુ અને નિયમિત યોગ અને કસરત કરવા જેવી બાબતો અપનાવી મેદસ્વિતાને નિયંત્રણમાં લાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *