ઉત્તરાયણ આજે નથી, 22 ડિસેમ્બરે ગઈ

આકાશમાં પતંગો ઉડાડવાનું પર્વ ઉતરાણ એટલે કે ઉત્તરાયણ તરીકે પ્રખ્યાત છે. જો કે આપણે ત્યાં મકરસંક્રાતિ અને ઉત્તરાયણ વચ્ચેના ભેદ અંગે લોકોને ઝાઝી જાણ નથી. મકરસંક્રાતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ. સૂર્ય ધન રાશિમાં નીચનો હોવાથી 14 ડિસેમ્બરથી 14 જાન્યુ.ની આસપાસનો એક મહિનો કમૂરતા રહે છે. ત્યારબાદ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતાં મોટાભાગે કમૂરતા પૂરા થાય છે અને શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. આમ આવતીકાલે મકરસંક્રાતિ થશે, પરંતુ ઉત્તરાયણ નહીં હોય.કારણ કે ઉત્તરાયણ તદ્દન અલગ ખગોળીય ઘટના છે. સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ કરવું, એને ઉત્તરાયણ કહેવાય છે. વર્ષના છ મહિના દક્ષિણાયન અને છ મહિના ઉત્તરાયણ રહે છે. 22 જૂનની આસપાસ દક્ષિણાયન શરૂ થાય છે, એટલે કે સૂર્ય દક્ષિણ દિશા તરફ ખસતો રહે છે. ત્યારબાદ ઉત્તરાયણથી તે ઉત્તર દિશા તરફ ખસવા લાગે છે. ઉત્તરાયણના દિવસે રાત સૌથી લાંબી અને દિવસ સૌથી ટૂંકો હોય છે. તેનાથી વિપરીત દક્ષિણાયનમાં રાત ટૂંકી અને દિવસ સૌથી મોટો હોય છે. આ વર્ષે 22 ડિસેમ્બર 2025ના રોજ ઉત્તરાયણ થઈ ગઈ હતી.
