July 21, 2025

ભારતમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 4.95 ટકા, લોકોને આંશિક રાહત

  • સરકારે ડિસે. 2022નો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ જાહેર કર્યો, નવે. 2022માં 5.85 ટકા રહ્યો હતો
  • જથ્થાબંધ મોંઘવારી દર ઘટતાં રિટેઈલ માર્કેટમાં તેની હકારાત્મક અસર થવાની આશા, ચીજ-વસ્તુઓના ભાવો ઘટી શકે

ભારતીયો માટે આંશિક રાહતના એક સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આજે ડિસેમ્બર 2022નો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ એટલે કે જથ્થાબંધ મોંઘવારી દર જાહેર કરાયો છે. આંકડા મુજબ ડિસેમ્બરમાં આ દર 4.95 ટકા રહ્યો હતો. સરકારની જાહેરાત મુજબ નવેમ્બરમાં આ દર 5.85 ટકા હતો, એટલે કે જથ્થાબંધ મોંઘવારી દરમાં ડિસેમ્બરમાં 0.90 ટકાનો ઘટાડો થયો છે.

સરકાર દ્વારા દર મહિને ફુગાવાના આ આંકડા મોંઘવારી દર તરીકે જાહેર કરવામાં આવે છે. જેમાં જથ્થાબંધ મોંઘવારી દર તેમજ છૂટક મોંઘવારી દર જાહેર કરાય છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થતાં તેની અસર છૂટક મોંઘવારી દર ઉપર પડવાની શક્યતા વધુ હોય છે. એટલે કે ચીજ-વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર ઘટે તો છૂટક બજારમાં આવી ચીજ-વસ્તુઓના ભાવો પણ ઘટી શકે છે. જેથી સરકારની આ જાહેરાતથી સામાન્ય લોકોને ભાવઘટાડાની આશા જાગી છે.