July 21, 2025

અમદાવાદ ITના એડિશનલ કમિ. રૂ. 30 લાખની લાંચના છટકામાં ભેરવાયા, ફરાર

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોને આજે એક મોટી સફળતા મળી છે. આવકવેરા વિભાગના એડિ. કમિશનરને રૂ. 30 લાખની લાંચના છટકામાં ફસાવી સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેને પગલે ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

હકીકત એવી છે કે એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એન્ટી કરપ્શન બ્યુરોના અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે. બી. ચૂડાસમાને એક ફરિયાદ મળી હતી અને તેના આધારે અમદાવાદ શહેર એસીબી પોલીસ મથકના પો.ઈ. ડી. એન. પટેલ તેમજ ટીમને લાંચના છટકા માટે તૈયાર કરવામાં આવી હતી. ફરિયાદ એવા પ્રકારની હતી કે અમદાવાદના એક વ્યવસાયીને ત્યાં આવકવેરાની અમદાવાદ વિંગ દ્વારા થોડા દિવસો પૂર્વે સરવે-સર્ચની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વ્યવસાયીના ઘરે, ઓફિસે તેમજ કંપનીના કર્મચારીઓને ત્યાં મોટાપાયે તપાસ હાથ ધરી સંદિગ્ધ દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા હતાં.

ત્યારબાદની કાર્યવાહી માટેના કેસની સોંપણી ઈનકમ ટેક્સ વિભાગ અમદાવાદના સેન્ટ્રલ સર્કલ રેન્જ વનના એડિશનલ કમિશનર સંતોષ કરનાની (IRS)ને સોંપાયો હતો. જો કે કરનાનીએ આ વ્યવસાયીને ધમકી આપવી શરૂ કરી હતી. તેને ઓફિસે બોલાવી મોટું આર્થિક નુક્સાન પહોંચાડવા સબબની કાર્યવાહી કરવા કરનાની વારંવાર ધમકાવવા લાગ્યા હતાં. એટલું જ નહીં, આ બધાથી બચવા માટે વ્યવસાયી પાસે ગેરકાયદે પૈસાની માંગણી શરૂ કરી હતી.

ગઈકાલે તા. 3જીના રોજ કરનાનીએ વ્યવસાયીને ઓફિસે બોલાવી ફરી ધમકાવ્યો હતો અને કેસમાં મદદ જોઈતી હોય તો રૂ. 30 લાખની લાંચ માંગી હતી. વ્યવસાયીએ કરનાની સાથે સમાધાનનો ઢોંગ રચ્યો હતો અને તેઓ લાંચ આપવા માંગતા ન હોઈ એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરી હતી. આજે બપોરના સુમારે વ્યવસાયીએ કરનાનીને લાંચની રકમ ચુકવવાનો વાયદો કર્યો હતો. જેમાં કરનાનીએ લાંચની રૂ. 30 લાખની રકમ અમદાવાદના જ સિંધુ ભવન રોડ સ્થિત સ્ટેલાર બિલ્ડીંગમાં ધારા કુરિયર ખાતે એક સંદિગ્ધ એકાઉન્ટમાં જમા કરાવવાનું કહ્યું હતું.

જેથી વ્યવસાયી રૂ. 30 લાખની લાંચની રકમ સાથે ધારા કુરિયર ખાતે પહોંચ્યાં હતાં અને કરનાનીના કહ્યા મુજબના એકાઉન્ટમાં તે રકમ જમા કરાવી હતી. આ જ સમયે પંચ સાથે હાજર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે લાંચની રકમ રૂ. 30 લાખ જમા લઈને તપાસનો દૌર શરૂ કર્યો હતો. એડિ. કમિશનર સંતોષ કરનાની વિરુદ્ધ લાંચ લેવાના તમામ પુરાવા એકત્ર કર્યાં બાદ એન્ટી કરપ્શન બ્યુરોની એક અન્ય ટીમ સંતોષ કરનાનીની ધરપકડ કરવા તેમની ઓફિસે પહોંચી હતી. જો કે કરનાનીને ગંધ આવી જતાં તેઓ ત્યાંથી ધક્કા-મુક્કી કરીને ફરાર થઈ ગયા છે.

એન્ટી કરપ્શન બ્યુરોના જણાવ્યા મુજબ કરનાનીના ઘર તેમજ અન્ય ઠેકાણે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેમની સામે લાંચ લેવાનો ગુનો નોંધી સંલગ્ન કાર્યવાહી હાથ ધરાઈ છે. ખાસ તો સરકારના કેન્દ્ર કક્ષાના, એડિશનલ કમિ. લેવલના IRS અધિકારી લાંચ લેતાં ઝડપાઈ જતાં તેને ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓમાં આ સમાચાને પગલે ખાસ્સો ફફડાટ જોવા મળી રહ્યો છે.