લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ની તુલસી એટલે કે રીવા રાચ્છનું ‘અંબા’માં જગદંબા સ્વરૂપ

- ગીરના સાવજ અને માનવના અનોખા સહજીવનની ગાથા રજૂ કરતી ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મમાં ‘તુલસી’ના પાત્રથી દર્શકોનું દિલ જીતનાર અભિનેત્રી રીવા રાચ્છ હવે આગામી ગુજરાતી ફિલ્મ ‘અંબા’માં સાક્ષાત જગદંબાના રૌદ્ર અને પાવન સ્વરૂપમાં જોવા મળશે. ગીરના જંગલમાં વસતા સાવજ અને નેસડામાં રહેતા માલધારીઓની અનોખી વાર્તા દર્શાવતી બહુચર્ચિત ફિલ્મ ‘અંબા’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જંગલની શાંતિ ડહોળવા પશુ બનેલા માણસોને પાઠ ભણાવવા આવી રહેલી ‘અંબા’ આગામી 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ટ્રેલરની શરૂઆત ગીરના રહસ્યમય જંગલ સાથે થાય છે, જ્યાં બેકગ્રાઉન્ડમાં સંભળાય છે કે, “ગીર એક વિરોધાભાસ છે. એક એવું જંગલ કે જ્યાં માંસાહારી પ્રાણીઓ અને શાકાહારી માણસો કોઈપણ સંઘર્ષ વિના સાથે રહે છે.” સિંહો અને નેસડામાં રહેતા લોકોની જીવનશૈલીને અહીં અત્યંત સુંદર રીતે કંડારવામાં આવી છે. ટ્રેલરમાં એક બાળકી સિંહના બચ્ચાને હાથમાં ઊંચકીને તેને ‘વનરાજ’ કહીને બોલાવે છે. બાળકી જ્યાં જાય ત્યાં સિંહબાળ તેની આગળ-પાછળ ફરે છે; એક તરફ સિંહણ બેઠી છે અને બાજુમાં ભેંસ ચરી રહી છે, છતાં બંને વચ્ચે કોઈ સંઘર્ષ જોવા મળતો નથી.
ત્યારબાદ વન વિભાગના અધિકારી (દર્શન પંડ્યા)ની એન્ટ્રી થાય છે. સામે ઊભેલા સાવજ સાથે નજર ટકરાતા સિંહની ડણક સંભળાય છે, અને એ જ ક્ષણે માલધારી વેશભૂષામાં હાથમાં ડાંગ લઈને ફલાંગ મારતી કન્યા દેખાય છે. આ દ્રશ્ય જોઈને વન વિભાગના અધિકારી આશ્ચર્ય અને ગર્વ સાથે કહે છે કે, “મેઘાણીની ચારણ કન્યા આજે મેં નજરે જોઈ!” સિંહ અને કન્યાને સાથે જતાં જોઈને વિદેશી પ્રવાસી (અમેરિકન અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હીલન) પણ અચંબિત થઈ જાય છે, ત્યારે વન વિભાગના કર્મચારી તેને ‘માંગળાની ભૂતાવળ’ તરીકે ઓળખાવે છે.
બીજી તરફ, દિગ્ગજ અભિનેતા ફિરોઝ ઈરાની કુદરતના રહસ્યને સમજાવતા કહે છે કે, “આપણને જે ન સમજાય ને, એનું નામ કુદરત.”જોકે, જંગલની આ શાંતિ ડહોળવા શિકારીઓની ગેંગ સક્રિય થાય છે અને ગોળીબારનો અવાજ ગુંજી ઊઠે છે. સાવજને બચાવવા વન વિભાગના અધિકારી (દર્શન પંડ્યા) શિકારીઓ સામે બાથ ભીડે છે. અહંકારના મદમાં રાચતો શિકારી (જગજીતસિંહ વાઢેર) પડકાર ફેંકતા કહે છે કે, “વનરાજ ગીરનો કુતરો કહેવાય, જંગલનો રાજા માત્ર એક જ છે, લાલજી.” સાવજ પર આવેલા સંકટને જોઈ ફિરોઝ ઈરાની માતાજીને પ્રાર્થના કરે છે કે, “કૃપા કરો માં, આ ગીરમાં તમે જોગણી થઈને પૂજાશો.” અને ત્યારબાદ સાક્ષાત જગદંબા સ્વરૂપ ‘અંબા’ (રીવા રાચ્છ)ની એન્ટ્રી થાય છે. વોઈસઓવરમાં સંભળાય છે કે, “એ દીકરી માથે જગદંબાનો પાલો છે. અને ઈ સાવજ, સાક્ષાત નરસિંહનો અવતાર, એ લીલા મારી માવડીની છે અને પરચો ગેબીનાથનો. અલખ નિરંજન.” પાણીમાંથી નીકળતી અંબા અને વનરાજના દ્રશ્યો તથા ભવ્ય VFX રૂંવાટા ઊભા કરી દે છે.
નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ (Neemtree Entertainment) પ્રસ્તુત અને ભૂમિ નથવાણી તથા વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન (Vijaygiri FilmOs Productions) ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિજયગીરી બાવાએ કર્યું છે, જ્યારે લેખન વિજયગીરી બાવા અને રામ મોરીએ સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં રીવા રાચ્છ સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ પણ ટ્રેલરમાં ખાસ ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઈરાની, સ્વાતિ દવે અને રિદ્ધિ ડાંગર સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે.
ફિલ્મના ટ્રેલરની સાથે તેના ગીતો ‘નેહ નેહ’, ‘અંબા રમવા આવે’ અને ‘ટીપ્પણી રાસ’ને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ગીરની લોકસંસ્કૃતિ, આસ્થા અને વન્યજીવ સંરક્ષણનો સંદેશ આપતી આ ભવ્ય ફિલ્મ 11 ડિસેમ્બર, 2026ના રોજ થિયેટરોમાં ધૂમ મચાવવા આવી રહી છે.
ટ્રેલર લિંક: http://www.youtube.com/watch?v=E4lb0lsbGPU
