February 11, 2026

રેલવે સ્ટેશન બહાર દબાણોનું કાળું સામ્રાજ્ય

  • અનેક લેખિત અને મૌખિક રજૂઆતો, છતાં પોલીસ વિભાગ મૂકપ્રેક્ષક
  • રોજના હજારો મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે, દબાણો હટાવવા માંગ

સુરત રેલવે સ્ટેશન 24×7 ટ્રાફિક અને મુસાફરોથી ધમધમતું સ્થળ છે, પ્લેટફોર્મ પર ભાગ્યે જ એવો સમય હોય છે જ્યારે ટ્રેનનો સમય ન હોય, જેથી મુસાફરોની સતત અવરજવર રહે છે. જો કે રેલવે સ્ટેશનનની બહારની પરિસ્થિતિ વર્ષોથી દબાણોની સમસ્યાથી પીડિત છે. ટ્રેનોની અને મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે અને મેટ્રો ટ્રેનની કામગીરીને પગલે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. ત્યારે દબાણોની સમસ્યામાં પણ વધારો થતાં ટ્રાફિક અને મુસાફરો બેહાલ થઈ ગયા છે.

રેલવે સ્ટેશનની બહાર રિક્ષાઓનો જમાવડો તો હોય જ છે, જો કે તેનાથી પણ વધુ ગંભીર સમસ્યા ગલ્લાઓની છે. ચા, પાન-સિગારેટના ગલ્લા અહીં રેલવે સ્ટેશનની બહાર 24 કલાક ધામો નાંખીને પડ્યા છે. જેને પગલે મુસાફરોની સમસ્યામાં ઓર વધારો થયો છે.

આ અંગે સુરત પોલીસને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેનું નિરાકરણ આજદિન સુધી લવાયું નથી. હાલમાં જ એક સ્થાનિક મોહમદ જાવેદ હકીક ખાન દ્વારા પોલીસ વિભાગમાં સ્થાનિક તેમજ ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જો કે તે છતાં પણ પોલીસ મૂકપ્રેક્ષક બન્યા જેવી સ્થિતિ છે. જેથી રેલવે સ્ટેશનની બહાર દબાણોની સમસ્યાનું નિરાકરણ લાવી પોલીસ મુસાફરોને મદદરૂપ થાય તેવી લાગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *