February 11, 2026

UGCના નવા કાયદાનો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ

  • UGCના નવા કાયદાને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજે કાળો કાયદો ગણાવ્યો, કાયદો પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

સુરત: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તાજેતરમાં અમલી બનાવવામાં આવેલા જાતિ વિષયક નવા નિયમો અને કાયદાઓ સામે સુરતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, સુરત દ્વારા આ કાયદાને ‘કાળો કાયદો’ ગણાવી, સવર્ણ સમાજના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તાત્કાલિક સુધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર થકી રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, UGC ના નવા નિયમો મુજબ જો કોઈ અન્ય સમાજનો વિદ્યાર્થી સવર્ણ વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ કરે, તો તેની તપાસ માટે જે કમિટી બનાવવામાં આવી છે તેમાં સવર્ણ સમાજનું કોઈ પ્રતિનિધિત્વ રાખવામાં આવ્યું નથી જેને કારણે આ પ્રક્રિયા એકતરફી અને અન્યાયી બની શકે છે. આ પ્રકારના કડક અને ભેદભાવપૂર્ણ કાયદાઓથી સવર્ણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માનસિક રીતે નાસીપાસ થશે અને તેઓ ઉચ્ચ શિક્ષણથી દૂર ધકેલાય અથવા દેશ છોડીને વિદેશ જતા રહે તેવી ભીતિ સેવાઈ રહી છે. જેને લઇ હાલમાં લાગુ કરાયેલું આ કાયદો ખરેખર અર્થમાં સવર્ણ સમાજ માટે કાળો કાયદો સમાન છે. જેને સરકારે તાત્કાલિક ફેરબદલ કરવો જરૂરી છે.જેથી સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના અગ્રણીઓ આજે એકત્ર થયા હતા. અને ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આ બિલમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.જયદીપ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સુરત શહેરના તમામ સવર્ણ સમાજના આગેવાનો સાથે મળીને ‘ડોર-ટુ-ડોર’ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે અને ઉગ્ર આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે.”દેશનો યુવાન દેશના ભવિષ્ય માટે કામ કરે તે જરૂરી છે, પરંતુ આવા પક્ષપાતી કાયદાઓ સવર્ણ સમાજના બાળકોના ભવિષ્ય સામે મોટું જોખમ ઊભું કરે તેમ છે. અમે આ કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *