સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે સુરત મહાનગરપાલિકાએ, જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ વિભાગના સંકલનમાં યુદ્ધના ધોરણે શહેરમાં રાહત-બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. ખાસ કરીને આજે બપોરથી જ શહેરભરમાં હોર્ડિંગ્ઝ ઉતારવા સહિતની વિવિધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તો સાથે જ પૂર સંભવિત, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના શરૂ કરી દેવાયા છે.
મ્યુનિ. કમિશનર નાગરાજને આજે એક વિડીયો જાહેર કરી શહેરીજનો માટે વિવિધ સૂચનો જાહેર કર્યા છે. તેમણે જણાવ્યું કે આજે સાંજથી શરૂ કરીને આવતીકાલે તા.1લી સુધી શહેર-જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેના સંદર્ભમાં મ્યુનિ. તંત્રએ કલેક્ટર તંત્ર અને પોલીસ વિભાગના સહયોગથી રાહત-બચાવ માટે વિવિધ તૈયારીઓ સંપન્ન કરી દીધી છે અને કેટલીક હજુ ચાલુ છે.

તેમણે જણાવ્યું કે ખાડીપૂર અસરગ્રસ્ત કે નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણીના ભરાવાની શક્યતા વધુ છે, ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરી દેવાયું છે. આવા લોકોને નજીકના સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને તેમના ભોજન-પાણી સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે આ વખતે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી મ્યુનિ. દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં જાહેર હોર્ડિંગ્ઝ તેમજ નબળા સ્ટ્રક્ચરો ઉતારી પાડવામાં આવ્યા છે. જુના નબળા થઈ ગયેલા વૃક્ષોના ટ્રિમિંગ કે તેમને ઉતારી પાડવાનું પણ ચાલુ છે. હાઈમાસ્ટ ટાવરને પણ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર પણ રસ્તાઓ અને મશીનરીઓને સેઈફ સ્ટેજ પર લાવવા બિલ્ડરોને તાકીદ કરી દેવામાં આવી છે.
નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જરૂરી કામ વિના આ સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું ટાળે. વરસાદ કે પવન દરમિયાન હોર્ડિંગ્ઝ કે વૃક્ષો નીચે જવાનું ટાળે. અફવાઓથી દૂર રહી માત્ર વિશ્વસનીય સૂત્રોનું માને અને તંત્રને સહકાર આપે.
- NDRF-SDRFની ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત, તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડેપગે
મ્યુનિ. કમિશનર નાગરાજનના જણાવ્યા મુજબ NDRF-SDRFની ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરી દેવામાં આવી છે. બચાવ-રાહત માટેના તમામ સાધનો, મશીનરી ફાળવી દેવામાં આવી છે. પાણીના ભરાવા કે અન્ય કારણોસર જો સ્થિતિ કાબૂ બહાર જતી જણાય તો જાહેર માર્ગો બંધ કરવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. કોઈપણ કુદરતી આફતને પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે.
- બંગાળથી આવી રહેલા ડીપ ડીપ્રેશનનું દર કલાકે મોનિટરીંગ
મ્યુનિ. કમિશનર નાગરાજને જણાવ્યું કે બંગાળથી એક ડીપ ડીપ્રેશન સુરત તરફ આવી રહ્યું છે, જેનું મોનિટરીંગ મ્યુનિ. તંત્ર હવામાન વિભાગ અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સંકલનમાં દર કલાકે કરી રહ્યું છે. ડીપ ડીપ્રેશન વલણ કેવું છે, તે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, તેની તીવ્રતા ઘટી કે વધી રહી છે, જેવી અનેક બાબતોનું બારીકાઈથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે, જેના આધારે લોકોની સુરક્ષા માટે વધુ પગલાં ભરી શકાય.
- રેસ્ક્યુ ટીમ એલર્ટ: દરેક ફાયર સ્ટેશન પર જરૂરી બચાવ સામગ્રી સાથે તૈયાર ફાયરફાઈટર્સ
વૃક્ષ ધરાશાયી થવાની કે કોઈ પણ રેસ્ક્યુ કોલ માટે શહેરના દરેક ફાયર સ્ટેશન પર જરૂરી બચાવ સામગ્રી સાથે એક ટીમ તૈયાર કરાય છે. તેમજ SMC દ્વારા ઉધના ઝોન-બીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને નજીકના નિર્ધારિત રાહત કેન્દ્ર સુધી સુરક્ષિત પહોંચાડવા માટે ડોર-ટુ-ડોર વાહનો દ્વારા સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે.
