BCCI આયોજિત પ્રતિષ્ઠિત ‘વિનુ માંકડ ટ્રોફી’ માટે બરોડા ક્રિકેટ એસોસિએશનની ટીમમાં નવસારીના ચાર ખેલાડીઓની પસંદગી થઈ છે. 8થી 16 ઓક્ટોબર દરમિયાન રાજકોટમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં નવસારીની એસ.એસ. અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીના સની કાલરીયા અને વિવાન મણિયાર સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. આ ઉપરાંત, જિલ્લાના બીલીમોરાના પૂજન મહેતા અને પ્રિન્સ ખલાસી પણ બરોડા ટીમમાં પસંદગી પામ્યા છે.
આ ખેલાડીઓ ટુર્નામેન્ટ દરમિયાન હૈદરાબાદ, મણિપુર, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવી મજબૂત ટીમો સામે બરોડોનું પ્રતિનિધિત્વ કરશે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ એસ.એસ. અગ્રવાલ એકેડેમીના ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ, હેડ કોચ કાંતિ પટેલ, કોચ હિતેશ પટેલ, ચેતન પંટેલ, દિવ્યેશ ગામીત તથા શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડો. સંજય પટેલ સહિત સમગ્ર એકેડેમી પરિવારે યુવા ખેલાડીઓને અભિનંદન સાથે શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી.