August 24, 2026

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ‘સપ્ત મહાદેવ દર્શન યાત્રા’ યોજાઈ

  • ૧૧૦થી વધુ શિવભક્તોએ ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરી ધન્યતા અનુભવી

સુરત: -પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શિવભક્તોમાં આધ્યાત્મિક ભાવના, શ્રદ્ધા અને ભક્તિભાવનો ઉત્સંચાર થાય તેવા શુભ હેતુથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ ‘સપ્ત મહાદેવ દર્શન યાત્રા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવ, સેવાભાવ અને સામાજિક એકતાના સુંદર સમન્વય સાથે યોજાયેલી આ યાત્રામાં સુરતથી લઈને ભરૂચ અને નર્મદા જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક સાત મહાદેવ મંદિરોના દર્શન યોજી યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૌરાણિક અને ઐતિહાસિક મહાદેવ મંદિર દર્શન યાત્રા યોજી હતી. ગત વખતે 12 મહાદેવ દર્શન યાત્રા કરાવી હતી. આ વર્ષે સપ્ત મહાદેવ દર્શન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભવ્ય ધાર્મિક યાત્રામાં બે લક્ઝરી બસ દ્વારા વડીલો, મહિલાઓ અને યુવાનો સહિત કુલ ૧૧૦ જેટલા શિવભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન બ્રહ્મ સમાજના આયોજકો દ્વારા ભક્તો માટે સ્તંભેશ્વર મહાદેવ (કાવી-કંબોઈ), રૂપેશ્વર મહાદેવ (કાવી-કંબોઈ નજીક), નીલકંઠેશ્વર મહાદેવ, ભવાનીશંકર મહાદેવ (જંબુસર), કાયાવરોહણ મહાદેવ, નારેશ્વર મહાદેવ તેમજ નીલકંઠેશ્વર મહાદેવ (ઝાડેશ્વર ચોકડી) જેવા અત્યંત પૌરાણિક અને મહાત્મ્ય ધરાવતા શિવધામોના દર્શન કરાવવામાં આવ્યા હતા. યાત્રાળુઓએ વિવિધ મંદિરોમાં ભગવાન ભોળાનાથની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના, જલાભિષેક અને પ્રાર્થના કરી આધ્યાત્મિક શાંતિ તથા ધન્યતા અનુભવી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન “હર હર મહાદેવ” અને “જય ભોલેનાથ”ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત ના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું કે યાત્રામાં જોડાનાર તમામ શિવભક્તોની સુવિધા અને સેવા-શુશ્રૂષાનું આયોજકો દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. યાત્રાળુઓ માટે ભોજન, પીવાનું પાણી, આરામ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રૂપે કરવામાં આવી હતી. બપોરના સમયે કાયાવરોહણ મહાદેવ મંદિર ખાતે તમામ યાત્રાળુઓ માટે પૌષ્ટિક અને સુંદર ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે રાત્રિના ભોજનનું આયોજન અંકલેશ્વર બ્રહ્મ સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું હતું. ૧૧૦ જેટલા યાત્રાળુઓની વિશાળ સંખ્યા હોવા છતાં સમગ્ર પ્રવાસ દરમિયાન અદભુત શિસ્ત, પરસ્પર સહકાર અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. આ યાત્રાથી ધાર્મિક પુણ્યની સાથે સામાજિક એકતા પણ વધુ સુદ્રઢ બની હતી.

આ કાર્યક્રમને સર્વાંગ સુંદર અને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, સુરતના પ્રમુખ શ્રી જયદીપ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા અથાગ જિહાદી મહેનત કરવામાં આવી હતી. જેમાં શ્રી ગૌતમ પંડિત, શ્રી નિકુંજ આચાર્ય, શ્રી પ્રજ્ઞેશ સોની, શ્રી આશિષ ત્રિવેદી, શ્રી યોગેશ વ્યાસ, શ્રી દક્ષેશ ભટ્ટ, શ્રી રવિ જાની તથા શ્રીમતી સીમાબેન રાવલ અને શ્રીમતી જિગ્નાબેન ઠાકર સહિતના હોદ્દેદારો અને સેવાભાવી કાર્યકરોએ નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી.યાત્રાના અંતે આયોજકો દ્વારા યાત્રાને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ સેવાભાવી કાર્યકરો, વાહનચાલકો તેમજ શિસ્તબદ્ધ રીતે જોડાયેલા તમામ યાત્રાળુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સપ્ત મહાદેવ દર્શન યાત્રા ભક્તિ, સેવા અને સંગઠિત સમાજ ભાવનાનું અદ્ભુત ઉદાહરણ બની રહી હતી. યાત્રામાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓએ આગામી સમયમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા આવી જ ધાર્મિક અને સમાજઉપયોગી પ્રવૃત્તિઓનું આયોજન સતત થતું રહે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *