શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, સુરત દ્વારા જૂન મહિનામાં વિવિધ સેવાકીય અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતની માસિક કારોબારી અને કાર્યકર્તાઓની એક અગત્યની બેઠક તાજેતરમાં યોજાઈ હતી. આ બેઠકમાં આગામી જૂન મહિના દરમિયાન સમાજ હિત અને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે વિવિધ સેવાકીય કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને ત્રણ મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતની મળેલી મિટિંગમાં નક્કી થયા મુજબ આગામી ૧૪ જૂન ૨૦૨૬ ને રવિવારના રોજ અમદાવાદ મુકામે યોજાનાર બ્રહ્મ લગ્ન મેળાવડા અંગે બેઠકમાં આયોજનબદ્ધ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ, દક્ષિણ ગુજરાતમાં સક્રિય સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ૨૧ જૂન ૨૦૨૬ ને રવિવારે નવસારી જિલ્લા ખાતે દક્ષિણ ગુજરાતના હોદ્દેદારો માટે ‘કાર્યકર્તા અભ્યાસ વર્ગ’નું વિશેષ આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સંગઠનના કાર્યોની સમીક્ષા અને આગામી દિશા નક્કી થશે.
આ સિવાય શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે નક્કી કરાયેલા કાર્યક્રમની વિગત આપતા જણાવ્યું હતું કે બ્રહ્મસમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે ૨૮ જૂન ૨૦૨૬ને રવિવારના રોજ સુરત શહેર અને જિલ્લાના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય ‘વિદ્યાર્થી સન્માન સમારોહ’નું આયોજન કરાયું છે. આ શૈક્ષણિક મહોત્સવમાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ૮૦% કે તેથી વધુ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષણ સિવાય અન્ય કોઈપણ ક્ષેત્રે (રમતગમત, કલા કે અન્ય વિશેષ પ્રવૃત્તિઓ) વિશિષ્ટ સિદ્ધિ હાસિલ કરનાર સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમાજના યુવાધનને યોગ્ય પ્રોત્સાહન મળે અને તેમનામાં સમાજ પ્રત્યે લાગણી તેમજ ગૌરવની ભાવના દ્રઢ થાય તેવા ઉમદા આશયથી આ સમગ્ર સન્માન સમારોહ તદ્દન વિનામૂલ્યે યોજવામાં આવી રહ્યો છે. આ ત્રણેય કાર્યક્રમોને સફળ બનાવવા માટે કારોબારીના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ સન્માન સમારોહમાં ભાગ લેવા તેમજ ફોર્મ સબમિટ કરવા સહિતની વધુ માહિતી માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના મહામંત્રી શ્રી નિકુંજ આચાર્ય મોબાઈલ નંબર: ૯૬૨૪૨૬૨૮૮૪ નો સંપર્ક કરવા સમાજના અગ્રણીઓને જણાવ્યું હતું.
